પશ્ચિમના ઝેરી પવનથી ભ્રષ્ટ થયેલા કેટલાક માનવ-મનમાં ચગડોળે ચડેલા મહત્વના કોયડાઓના સચોટ ઉકેલો પૂજ્યશ્રીએ આ પુસ્તકમાં ખૂબ સુંદર રીતે દર્શાવ્યા છે. હૃદયની નીખાલસતા અને પરાર્થમૂલક ભાવનાથી પૂજ્યશ્રીએ માનવ મગજમાં રોપેલા આ વિચાર-બીજો નિષ્ફળ નહિ જ જાય. ધર્મ પ્રવૃતિઓ વધવા છતાં એનું ઝાઝું તેજ કેમ દેખાતું નથી ? આ અંગે પૂજ્યશ્રીએ ખૂબ સુંદર સમાધાન આપ્યું છે. વર્તમાનકાળમાં સાધ્વી દીક્ષા ઉપર પ્રતિબંધ મૂકવો કે નહીં, તેનું સચોટ માર્ગદર્શન આપ્યું છે. સાધુના મુખ્ય લક્ષણો જણાવ્યા છે. ભૂતકાળના અને આજના ભારતીય વચ્ચેનો મુખ્ય તફાવત જણાવ્યો છે. ડોકટરનો ધંધો માનવતાપૂર્ણ ગણી શકાય કે નહીં ? આ અંગે પૂરી નીડરતાથી પૂજ્યશ્રીએ ખુલાસો આપ્યો છે. ‘આજના વાતાવરણમાં ધર્મપ્રચારકો શું કરી શકે ?’ આ અંગે પૂજ્યશ્રીએ સચોટ સમાધાન આપ્યું છે. તીર્થસ્થાનોમાં પણ ચિત્ત પ્રસન્નતા ન રહેવા પાછળનું સચોટ કારણ પૂજ્યશ્રીએ જણાવ્યું છે. સંસારમાં રહેવા છતાં સંસારનો રસ ઘટાડી નાખવાનો પૂજ્યશ્રીએ સુંદર ઉપાય દર્શાવ્યો છે. આજના શિક્ષણે જ નવી પેઢીની ધાર્મિકતાનો નાશ કર્યો છે; આ અંગે પૂજ્યશ્રીએ શિક્ષણની ભયંકરતા જણાવી છે. આ સિવાય અનેક વિષયો ઉપર પૂજ્યશ્રીએ આપેલ સચોટ સમાધાનો જાણ્યા બાદ મનની અનેક મૂંઝવણો શાંત થઇ જશે.