આ પુસ્તકમાં પાંચ વિષયો ઉપર પૂજ્યશ્રીએ કમાલ કલમ ચલાવી છે. પહેલા પ્રવચનમાં છ પ્રકારના જીવોનું વર્ણન કરીને ‘આ પ્રકારોમાં હું કયાં છું ?’ - તે પ્રશ્ન જાતને પૂછવાનો છે. ‘ઉત્તમ’ જીવમાં નંબર લગાડવાનો છે. છ પ્રકારની વિસ્તૃત છણાવટ વાંચ્યા બાદ હળુકમી જીવને ‘ઉત્તમ’ બનવાની ભાવના થયા વિના ન રહે. બીજા પ્રવચનમાં ધર્મીજીવોનું પણ કાબરચીતરું જીવન કેમ હોય છે! તેના વિવિધ કારણો (દર્દ) અને તેના સમાધાનો (દવા) પૂજ્યશ્રીએ સૂક્ષ્મ બુધ્ધિથી આલેખ્યા છે. ત્રીજા પ્રવચનમાં નવપદના પાંચ પદો ઉપર અદ્ભુત ચિંતન પીરસ્યું છે. સંસારની અસારતા હાડોહાડ લાગી જાય, તે રીતે સંસારનું નગ્ન સ્વરુપ ઉઘાડું પાડયું છે. ચોથા પ્રવચનમાં “જીવને સંસારના દુઃખમય ભ્રમણમાં સાત પદાર્થો કેવી રીતે રમાડતા હોય છે.” તેનું પૂજ્યશ્રીએ શાસ્ત્રસિદ્ધ દિગ્દર્શન કરીને ‘સંસારયાત્રા’ ઉપર વિરામ મૂકી શકાય તેવો અસીમ ઉપકાર કર્યો છે. પાંચમા પ્રવચનમાં પૂજ્યશ્રીએ અદ્ભુત પદાર્થ ગોઠવ્યો છે. ‘સંસ્કૃતિનું ખંડન કરતાં તત્ત્વોનું ખંડન જ ખરેખરું મંડનકાર્ય છે’ આ વાતને પૂજ્યશ્રીએ સુપેરે વર્ણવી છે. જમાનાવાદી બુધ્ધિજીવી વર્ગને સખત ભાષામાં પડકાર કર્યો છે. આ પુસ્તકના પદાર્થો અત્યંત ખુમારીસભર તેજાબી કલમથી પૂજ્યશ્રીએ આલેખીને રાષ્ટ્રરક્ષા, ધર્મરક્ષા, સંસ્કૃતિરક્ષા કરવા માટે કટિબધ્ધ થવા યુવાનોને હાકલ પાડી છે. પૂજયશ્રી ઉપર અવિરત ‘ગુરુકૃપા’ વરસી રહી છે; તેનો સાક્ષાત્કાર પૂજ્યશ્રીના અનુપમ ચિંતનો ઉપરથી થાય છે.