પ્રસ્તુત ગ્રંથમાં પ્રગટ પ્રત્યક્ષ અક્રમવિજ્ઞાનનાં જ્ઞાની પુરુષ કે જેઓ પરમ પૂજ્ય દાદાશ્રી તરીકે ઓળખાય છે તેમનાં સ્વમુખેથી વહેલું આત્મતત્વ, તેમ જ અન્ય તત્વો સંબંધી વાસ્તવિક દર્શન ખુલ્લું થાય છે. લોકોને ઘણાં પ્રશ્નો સતાવે છે જેવા કે, ‘હું કોણ છું?, જાણવું કઈ રીતે?’ ‘પોતાના સ્વરૂપની ઓળખાણ કેવી રીતે મેળવી શકું?’, ‘ આત્મ સાક્ષાત્કાર કઈ રીતે પામવો?’ જન્મ-મરણ શું છે? કર્મ શું છે? આત્માના અસ્તિત્વની આશંકાથી માંડીને આત્મા શું હશે, કેવો હશે? શું કરતો હશે? જેવા સેંકડો પ્રશ્નોનાં વૈજ્ઞાનિક સમાધાન પરમ પૂજ્ય દાદાશ્રીએ અત્રે અગોપ્યાં છે. તમામ શાસ્ત્રોનો, સાધકોનો, સાધનાઓનો સાર એક જ છે કે પોતાના આત્માનું ભાન, જ્ઞાન કરી લેવું. ‘મૂળ આત્મા’, તો શુધ્ધ જ છે માત્ર ‘પોતાને’ જે રોંગ ‘બિલિફ’ બેસી ગઈ છે તે પ્રગટ ‘જ્ઞાની પુરુષ’ પાસે આંટી ઊકલી જાય છે. જે કોટી ભવે ન થાય તે ‘જ્ઞાની’ પાસેથી અંતઃમુહૂર્તમાં પ્રાપ્ત થાય તેમ છે ! આખા ગ્રંથનું સંકલન બે વિભાગમાં વિભાજિત થાય છે. પૂર્વાર્ધમાં પરમ પૂજ્ય દાદાશ્રીએ આત્માનું સ્વરૂપ, જ્યારે ઉત્તરાર્ધમાં આત્મ સાક્ષાત્કાર કઈ રીતે પામવો, તે મોક્ષમાર્ગ ખુલ્લો કર્યો છેપ્રસ્તુત સંકલન આત્મા અને મુકિતનાં શોધક મુમુક્ષુઓ માટે આત્માસંબંધી વાસ્તવિક સમજણ આપીને મોક્ષમાર્ગ ના દરવાજા ખુલ્લાં કરે છે.