જીવનના સામાન્યમાં સામાન્ય પ્રસંગોમાં કષાયો સૂક્ષ્મપણે કઈ રીતે કાર્ય કરી જાય છે, તેનો વિસ્ફોટ જો કોઈએ આ કળિકાળમાં કર્યો હોય તો એ એક આ 'અક્રમ વિજ્ઞાની' પરમકૃપાળુશ્રી દાદાશ્રીએ ! એમના થકી પ્રકટ થયેલા 'અક્રમ વિજ્ઞાન'માં આત્મા, અનાત્મા, આત્મા-અનાત્મા સંબંધિત જ્ઞાન તેમજ વિશ્વકર્તા, જગતનિયંતા જેવા જેવા ગુહ્ય વિજ્ઞાનોનું પ્રાકટ્ય તો છે જ, કિંતુ પ્રસ્તુત ગ્રંથમાં સર્વગ્રાહ્ય તેમ જ પ્રત્યક્ષ જીવનમાં અનુભવગમ્ય બની રહે તેવું ગુપ્ત વ્યવહાર-જ્ઞાન પ્રકાશમાન થાય તે લક્ષ લક્ષિત થયું છે. વાત્સલ્યમૂર્તિ પૂ. દાદાશ્રીની વાણી પ્રવચન, વ્યાખ્યાન કે ઉપદેશાત્મકપણે વહેતી નથી. જિજ્ઞાસુ, મુમુક્ષુ કે વિચારકોનાં હ્રદયમાંથી વાસ્તવિક જીવનપ્રશ્નોના સ્ફુરણનું સર્વ રીતે સમાધાનયુક્ત નીકળ તી 'ટેપ'માંનું 'વિજ્ઞાન' છે !