શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની ‘ચત્તારિ પરમંગાણિ’ ગાથામાં જણાવેલા ચાર પદાર્થો ઉપર કુલ પાંચ ભાગોમાં પૂજ્યશ્રીએ વિસ્તૃત વિવેચન અદ્ભૂત શૈલીથી કર્યુ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવ અને ભવનો પ્રભાવ પૂજ્યશ્રીએ સરળ શૈલીમાં વર્ણવ્યો છે. પૂર્વની આર્યપ્રજાની મહાનતા વર્ણવી છે. જીવનવિકાસ માટે મુખ્યત્વે ત્રણ વાતો - ષટ્સ્થાનો, અનાદિત્રિક, ચાર પુરુષાર્થ ઉપર પૂજ્યશ્રીએ સુંદર વિવરણ કર્યુ છે. અચરમાવર્ત કાળ અને ચરમાવર્ત કાળ અંગે સમજણ આપી છે. સિદ્ધ સ્વરુપી જીવની છ અપમાનિત અવસ્થાઓ જણાવી છે. તિર્યંચ ગતિ, નારકગતિ, દેવગતિની ભયાનકતા જણાવી છે. સંસારના ભયાનક પાંચ સ્વરૂપો - દુઃખમય, પાપમય, રાગમય, સ્વાર્થમય, અજ્ઞાનમય વર્ણવીને યોગ્ય જીવોને સંસારથી વિરાગી બનવાની અમૂલ્ય તક આપી છે. પૂજ્યશ્રીએ કર્મ સિદ્ધાંતને ખૂબ સરસ શૈલીમાં સમજાવ્યો છે. અનુબંધ એટલે શું ? અશુભ સંસ્કારોની કાતિલતા વગેરે દૃષ્ટાંતોના માધ્યમથી ખૂબ સરસ રીતે સમજાવી છે. મોક્ષ તત્વની સમજ ખૂબ સરળ શૈલીમાં વર્ણવી છે. સુખમય સંસારને પણ ભયાનક જણાવીને સંસારી સુખને દસ રીતે ખરાબ જણાવ્યું છે. દેવોને દુર્લભ મહાન માનવજીવનને ખૂબ પ્રશંસીને તેને બરબાદ નહીં થવા દેવાની પૂજ્યશ્રીએ ભારપૂર્વક ભલામણ કરી છે.