પૂજયપાદ સૂરિપુરંદર આચાર્ય ભગવંત શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ રચેલા અષ્ટક પ્રકરણ ગ્રંથના પહેલા ચાર અષ્ટકો ઉપર પૂજ્યશ્રીએ ખૂબ સુંદર ગૂર્જરી વિવેચના કરી છે. પ્રથમ મહાદેવાષ્ટકમાં અનંતાનંત આત્માઓની ત્રણ વિભાગમાં - બહિરાત્મા, અન્તરાત્મા અને પરમાત્મા - વહેંચણી કરી છે. વીતરાગ એ જ મહાદેવ. વીતરાગનું જાજવલ્યમાન, અચિંત્ય શક્તિ યુક્ત સ્વરુપ આ અષ્ટકમાં જણાવ્યું છે. વીતરાગની આજ્ઞાપાલનને જ મુખ્ય આરાધના જણાવી છે. બીજા સ્નાનાષ્ટકમાં દ્રવ્ય અને ભાવ બે પ્રકારના સ્નાનનું વર્ણન કર્યુ છે. સાધુને દ્રવ્યપૂજાનો અનધિકાર જણાવ્યો છે. કૂપદૃષ્ટાંત દ્વારા જિનપૂજાની હિંસાને માત્ર ‘સ્વરુપ હિંસા’ જણાવી છે. સ્વની અહિંસા એ જ શ્રેષ્ઠતમ અહિંસા જણાવી છે. ત્રીજા પૂજાષ્ટકમાં તત્તવદર્શી - જ્ઞાની પુરુષોએ અષ્ટપુષ્પી પૂજા બે પ્રકારે કહી છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, ગુરુભક્તિ, તપ અને જ્ઞાન એ આઠ ભાવપુષ્પો કહેવાય છે. એ આઠ ભાવપુષ્પોના યથાર્થ પાલન દ્વારા જ દેવાધિદેવની બહુમાનપૂર્વક જે પૂજા થાય છે, તે શુધ્ધ પૂજા કહેવાય છે. એ શુધ્ધ પૂજાથી ભાવ શુધ્ધ બનતાં ક્રમશઃ મોક્ષની પ્રાપ્તિ થાય છે. ચોથા અગ્નિકારિકા અષ્ટકમાં કર્મનું ઇન્ધન હોય, સદ્ભાવનાની જોરદાર આહૂતિ આપવાની હોય, ધર્મ શુકલ ધ્યાનનો અગ્નિ હોય એ પ્રમાણે દીક્ષિત આત્માએ ભાવ અગ્નિકારિકા આચરવાનું જણાવ્યું છે. દીક્ષિતની દીક્ષા માત્ર મોક્ષ પ્રાપ્તિ માટે છે. દીક્ષિત આત્માએ રાજ્ય અને વૈભવો પ્રાપ્ત કરવા માટે દ્રવ્યપૂજન કે અગ્નિકારિકાનો આશ્રય લેવો જોઇએ નહીં.