પૂજ્યશ્રીએ સુંદર ચિંતન-રત્નોનો પ્રકાશ આ પુસ્તકમાં પીરસ્યો છે. આ ચિંતનો ખરેખર હૃદયસ્પર્શી, જીવનપરિવર્તક છે. સહુ પ્રથમ દેવાધિદેવ પરમાત્મા મહાવીરદેવની ઘોર સાધના, કૃપાલુદેવની અપાર કરૂણા વગેરે વાતો પ્રભુભક્ત પૂજ્યશ્રીએ સંવેદનશીલ શેલીમાં વર્ણવી છે. પૂજ્યશ્રીએ ભોગાન્ધતા અને ધર્માન્ધતાને સર્વનાશનું મૂળ જણાવ્યું છે. સહુ માટે એક જ પ્રશ્ન સૌથી વિકરાળ છે : દરેક પળે સતાવતો હોય છે કે, ‘મારો આવતો જન્મ ક્યાં થશે ?’ પરલોકભીરૂ પૂજ્યશ્રીએ પરલોકની માન્યતા મજબૂત થાય તેવું સુંદર લખાણ લખ્યું છે. પૂજ્યશ્રીએ ત્રણ વાતો મનથી ગોખી લેવા જણાવ્યું છે. (૧) મારે મરવાનું છે. (૨) તે પછી મારે ક્યાંક જન્મ લેવાનો છે. (૩) એ જન્મ મારા સારા-નરસા કાર્યો પ્રમાણે થવાનો છે. ગુણીજનોના ગુણો તરફ પ્રમોદભાવ એ ગુણવાન બનવા માટેનો સૌથી સરળ ઉપાય છે. સ્વહિતને સાધ્યા વિના થતું દેખાતું પરહિત એ આભાસરૂપ છે. ‘જે સ્વયં તરેલા છે તે જ બીજાને તારી શકે છે.’ ધરતીકંપોનું કારણ કતલખાનાઓમાં કતલ પામતા પશુઓની ‘હાય’ છે. ભક્તિ, મૈત્રી અને શુદ્ધિના ત્રિવેણીસંગમમાંથી ઉત્પન્ન થતાં સત્વ (શૌર્ય)ની તાકાત અને સફળતા અજોડ હોય. અતિ મોંઘેરો માનવભવ એટલે સોનાનો પ્યાલો ! તે પામીને દારૂ (અર્થકામના ભોગસુખમાં બેફામપણું) તો ન જ પીવાય. તે પ્યાલામાં દૂધ (સર્વવિરતિ જીવન) જ પીવાય.