ઉપદેશ-રહસ્ય ગ્રન્થ ઉપર શિષ્યોને આપેલી વાચનાઓનું પૂજ્યશ્રીએ લખાણ તૈયાર કર્યું છે. આ વિવેચન વિશેષતઃ તો શ્રમણ-શ્રમણીઓને અત્યન્ત હિતકર બનશે. પૂજ્યશ્રીએ સહુ પ્રથમ “સમ્યગ્દર્શન”નો મહિમા સુપેરે વર્ણવ્યો છે. જેને અરિહંત પરમાત્મા વહાલા લાગે છે તેને તેમની તમામ અજ્ઞાઓ ખૂબ વહાલી લાગે છે. તેમની સોૈથી પહેલી આજ્ઞા એ છે કે, “કોઇ પણ જીવને દુઃખ દેવું નહિ, શક્ય હોય તો સુખ જ દેવું”. આ આજ્ઞાને કારણે અરિહંતનો સાચો ભક્ત જગતના સર્વ જીવો સાથે સ્નેહભાવ સ્વરૂપ “મૈત્રી” સાધે તે સહજ બાબત છે. પાપાનુબંધ ( પાપ - સંસ્કારો ) જ સકળ સંસારનું મૂળ છે.પાપાનુબંધ કાતિલ દોષો જીવંત કરીને જીવને દુર્ગતિઓની વણઝાર ભેટ આપે છે.આથી જ ઉપદેશપદ ગ્રન્થમાં પૂજ્યપાદ હરિભદ્રસૂરિજી મહારાજે કહ્યું છે કે, “માનવભવ પામ્યા બાદ સહુ પ્રથમ તગડા બનેલાં (ભવોભવના) પાપાનુબંધને નબળા પાડી દો અને પુણ્યકર્મના નબળા તૈયાર થયેલા અનુબંધોને તગડા કરી દો. ” પાપાનુબંધોને નબળા પાડી દેવા માટે પૂજ્યશ્રીએ ત્રણ ઉપાયો -ચાર શરણ - સ્વીકાર સ્વદુષ્કૃતગહા પરસુકૃતાનુમોદના - દર્શાવ્યા છે. સમસ્ત સંસારરૂપી વૃક્ષનું મૂળ મિથ્યાત્વ છે. જો આ દૂર થાય, જો ગ્રન્થિભેદ થાય, જો સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય તો જ સંસારનો અન્ત આવે. પૂજ્યશ્રીએ અનેક સુંદર પદાર્થોનો સરળ ભાષામાં બોધ આપ્યો છે.