હું એટલે આત્મા. આપણે સહુ અનંત જ્ઞાની, અનંત સુખી, વીતરાગતા વગેરે મુખ્ય આઠ ગુણોથી યુક્ત સિદ્ધ ભગવાનની સમાન છીએ. આપણે ‘કર્મયુક્ત’ છીએ જ્યારે સિદ્ધ ભગવાન ‘કર્મમુક્ત’ થઇ ગયા છે. જીવનમાં દુઃખોના વાવાઝોડાં ત્રાટકી પડે ત્યારે ‘કર્મવાદ’ આપણી મદદે દોડી આવીને મનને સમાધિસ્થ રાખવામાં ખૂબ સહાય કરે છે. ‘તને આપત્તિ સામા જીવે નથી આપી પણ તેં જ બાંધેલા (આ ભવમાં કે પૂર્વના ભવોમાં) પાપો ઉદયમાં આવીને તને દુઃખી કરી રહ્યા છે’ આ ઉત્તમ વિચારસરણી ‘કર્મવાદ’નું જ્ઞાન જ આપી શકે છે. પૂજ્યશ્રીએ આ પુસ્તકમાં ખૂબ જ સરળ ભાષામાં ‘કર્મવાદ’ સમજાવવા પ્રયાસ કર્યો છે. ‘કર્મબંધના ચાર હેતુ’ સરળતાથી સમજાઇ જાય તે રીતે પ્રસ્તુત કર્યા છે, એ ચાર હેતુ (કારણ) જો સતત દૃષ્ટિપથમાં રાખીને ‘આત્મજાગૃતિ’ કેળવાય તો જીવાત્મા ‘કર્મબંધ’થી અટકવાથી ભાવિમાં ત્રાટકનારા ભયાનક દુઃખોથી અવશ્ય ઉગરી જાય. ‘કર્મ’ અંગે અનેક વિચારધારાઓ રજૂ કર્યા બાદ જે જીવાત્મા ભયાનક દુઃખમય સંસારથી ત્રસ્ત થયો હોય તે જીવાત્માને ‘સ્વસ્વરૂપ’ની કાયમી પ્રાપ્તિ (મોક્ષ) કરાવવા કરૂણાશીલ પૂજ્યશ્રીએ છેલ્લા પ્રકરણમાં ‘કર્મમુક્તિનો ઉપાય’ ખૂબ સુંદર રીતે વર્ણવ્યો છે. આ ઉપાય જીવનમાં આચરીને આજ સુધીમાં અનંતા આત્માઓ કાયમી વિશ્રામસ્થાન (મોક્ષ)ની પ્રાપ્તિ કરી ચૂકયા છે તો પછી આપણે તે સુંદર ઉપાય અજમાવીને ઝટપટ ‘મોક્ષ’ શા માટે ન મેળવી લઇએ ?