આ પુસ્તકનું પસંદ કરેલું ‘નામ’ જ પુસ્તકનો ઘણોખરો ભાવ તરત કહી દે છે. ભાઇ ! જે બનો તે સાચા બનો. તમે જો વિશિષ્ટ કોટિનું લક્ષ, સત્વ વગેરે બરોબર ધરાવતા હો તો તમે સાચા સાધુ જ બનવાનું રાખો. છેવટે, સાચા અર્થમાં શ્રાવક જ બનો. તે ય જો ન બની શકાય તો સાચા જૈન, સાચા માણસ બનો. પૂજ્યશ્રીએ માનવગતિની મહાનતા વર્ણવી છે. રજોહરણ-પ્રાપ્તિ સિવાય માનવગતિનો ફેરો નિષ્ફળ જશે; માટે દીક્ષાની અનિવાર્યતા જણાવી છે. સાચા સાધુના અંતરંગ ત્રણ લક્ષણો જણાવ્યા છે (૧) સરળતા (૨) કોમળતા (૩) સહિષ્ણુતા. સરળતાના ત્રણ આડલાભ જણાવ્યા છે (૧) પ્રજ્ઞાપનીયતા (૨) દોષશુદ્ધિ, (૩) ગુરુપારતન્ત્ર્ય. સાચા શ્રાવકના ત્રણ લક્ષણો જણાવ્યા છે (૧) સાંભળે (જિનવાણીનું સદ્ગુરુમુખે શ્રવણ કરે.) (૨) વાવે (ઉત્તમ ક્ષેત્રમાં ધન વાવે) (૩) કાપે (રાગાદિ પરિણતિને ધર્મ દ્વારા કાપે.) સાચો જૈન (સમકિતી) બનવાના વિવેચનમાં મળહ્રાસના ત્રણ ઉપાયો પૂજ્યશ્રીએ જણાવ્યા છે. (૧) શરણ (૨) દુષ્કૃત ગર્હા (૩) સુકૃતાનુમોદના. સાચા માણસના વિવેચનમાં પૂજ્યશ્રીએ ત્રણ પ્રકારના માણસો જણાવ્યા છે. પૂરા માણસના ત્રણ લક્ષણો (૧) પરલોક દ્રષ્ટા (૨) નીતિમાન (૩) સદાચારી. ખરા માણસના ત્રણ લક્ષણો (૧) કરુણાર્ત (૨) દોષોમાં નીરસ (૩) સ્વધર્મપાલક. સારા માણસના ત્રણ લક્ષણો છે (૧) સત્સંગી (૨) વડીલોનો પૂજક (૩) લોકવિરુધ્ધ ત્યાગી. અનેક ટૂંકા દૃષ્ટાંતો દ્વારા પૂજ્યશ્રીએ દરેક પદાર્થોેને ખૂબ સુંદર ન્યાય આપ્યો છે.