અનંત અનંત કાળથી ચાર ગતિઓમાં સતત મુસાફરી કરી રહેલો ‘જીવાત્મા’ ખરેખર પથિક (મુસાફર) કહી શકાય. પૂજ્યશ્રીએ આ પથિક પાત્રના માધ્યમે એક કાલ્પનિક કથાનક અદ્ભુત શૈલીમાં વર્ણવ્યું છે. મહાન શાસ્ત્ર શ્રી પંચસૂત્રના પ્રથમ સૂત્રની વિવેચના કથા માધ્યમે રજૂ કરીને જીવોને શ્રી પંચસૂત્ર પ્રેમી બનાવવાનો પૂજ્યશ્રીનો આ સ્તુત્ય પ્રયાસ ખરેખર આદરણીય છે. પથિક ભટકતો ભટકતો મહાવિદેહની પુણ્યવંતી અવનિમાં જઇ ચડે છે. પરમકૃપાળુ શ્રી સીમંધરસ્વામીનો તેને ભેટો થઇ જાય છે. કરૂણાસાગર પ્રભુજીના શ્રીમુખે દેશનાપાન કરવાનું પરમ સૌભાગ્ય આ પથિકને સાંપડે છે. પથિકનો અનાદિ અંધકાર (તિમિર) નાશ પામે છે અને જ્ઞાનજ્યોતિ ઝળહળી ઊઠે છે. નાનકડી પુસ્તિકા રસપૂર્ણ શૈલીમાં રજૂઆત પામી છે. શ્રી પંચસૂત્રકારે ઝટપટ મોક્ષ પામવા માટે બતાવેલા અતિ ઉત્તમ ‘ત્રણ ઉપાયો’ જો હૃદયસ્થ થઇ જાય તો આવતા ભવે મહાવિદેહમાંથી આપણી મુક્તિ અશકય બાબત નથી. આ ત્રણ ઉપાયોના અભાવમાં જ્યારે આપણા અનંતા ચારિત્રજીવનો નિષ્ફળ ગયા છે ત્યારે આપણે ‘જાગરૂક’ બનીને તે ત્રણ ઉપાયોનું અહર્નિશ સેવન ચાલુ કરી દઇએ તો ‘દુઃખમય સંસારયાત્રા’ પર ખૂબ જલદી પૂર્ણવિરામ મુકાઇ જાય. તે અદ્ભુત ત્રણ ઉપાયો જાણવા સહુએ પુસ્તકમનન કરવું જ રહ્યું.