પૂજ્યશ્રીએ ‘આત્મા’ની અધ્યાત્મયાત્રા ખૂબ સુંદર શૈલીમાં રજૂ કરી છે. અધ્યાત્મનો પ્રારંભ આત્મામાં સાચા સુખની ઉજ્જવલી ઉષા પ્રગટ થવાથી થાય છે. ‘કોઇ પણ પરવસ્તુના આધાર વિના આત્મામાં ઉઠતા આનંદના સંવેદનો એ જ સુખ.’ ઇન્દ્રિયજન્ય સુખ ‘પરાધીન’ હોવાથી તેને દુઃખની દૂરગામી પરંપરા જણાવીને વિષયોથી જાતને દૂર રાખવાની વાત પૂજ્યશ્રીએ લખી છે. જીવ જયારે સમ્યગદર્શન ગુણને પ્રાપ્ત કરે છે તે અવસ્થામાં જીવઉપવનમાં ગુણપુષ્પોની જે સુંદર ખીલવણી થાય છે; તેનું અદ્ભુત વર્ણન વાંચ્યા બાદ પ્રભુ પાસે આ ગુણની માંગણી કર્યા વિના રહી જ ન શકાય. ત્રણ લોકનું સમગ્ર વૈષિયક સુખ સમકાળે એકત્ર કરીએ અને અનન્ત વડે તેનો કલ્પિત ગુણાકાર કરીને અધ્યાત્મસુખના એક બિન્દુ સામે ગોઠવીએ તો પણ પલ્લુ તો અધ્યાત્મસુખનું જ નમવાનું. અનુભવગમ્ય આ વાત બુધ્ધિમાં બેસી નહીં શકે; માટે..... આત્મા જ્યારે વિરતિ ગુણનો સ્પર્શ કરે છે તે વખતની ‘આત્મમસ્તી’ પૂજ્યશ્રીની કમનીય કલમે સુંદર આલેખાઇ છે. તેનું વાંચન કર્યા બાદ ‘સુખ’ રસિક આત્મા વિરતિને આલિંગન આપ્યા વિના નહીં જ રહે. અવિવેક અને અહંકાર - આ બે દોષોને કારણે દંભ દોષનો પ્રાદુર્ભાવ થવાની પૂર્ણ શકયતા રહેલી છે. દંભની તાંડવલીલા ચાલતી હોય તો અધ્યાત્મની લીલીછમ વાડી વેરાન બની જાય. અધ્યાત્મસિધ્ધિ મેળવવા તૃષ્ણાજય મેળવવા અંગે પણ પૂજ્યશ્રીએ સુંદર છણાવટ કરી છે.