સાધનામાર્ગે આગળ વધી રહેલા પૂજનીય શ્રમણોને સંયમજીવનમાં ‘આત્મજાગૃતિ’ માટે પૂજ્યપાદ ગુરૂદેવશ્રીજીનું આ પ્રથમ પુસ્તક ખૂબ જ ઉપયોગી બની શકે તેવું છે. પુસ્તકના પ્રથમ પ્રકરણમાં ‘બહિર્મુખજીવન’ના અનેક નુકસાનો વર્ણવીને સાધકને અંતર્મુખજીવન જીવવાની ઝંખના પેદા કરે તેવું અદ્ભુત ચિંતન છે. ‘ગુરૂ-સમર્પણ’ના સાતમા પ્રકરણમાં ‘ગુરૂ’નું અદકેરું મહત્વ ખૂબ જ સંવેદનશીલ ભાષામાં વર્ણવ્યું છે. પૂજ્યપાદ લેખકશ્રીને પોતાના ગુરૂ પ્રત્યે કેવો અપૂર્વ અહોભાવ હશે ? તેની આછી ઝલક આ વાંચન ઉપરથી અવશ્ય મળી શકશે. ‘જેટલી પરલોકદૃષ્ટિ સ્વચ્છ એટલો વિરાગ સ્વચ્છ’ - નવમા પ્રકરણમાં ‘પરલોક’ને સતત આંખ સામે રાખીને આ જીવન પસાર કરવા મમતામયી વાણીથી સહુને હાર્દિક પ્રેરણા કરી છે. પૂજ્યશ્રીએ ચૌદમા પ્રકરણમાં ‘મૌન’નો અપૂર્વ મહિમા લાગણીશીલ ભાષામાં સમજાવ્યો છે. ‘મૌનીના જીવનમાં કલહ હોઇ શકે નહિ’ આ સુવાક્ય દ્વારા ઝઘડાથી બચવા માટેની ‘ગુરૂચાવી’ સહુને આપી દીધી છે. પુસ્તકનું અંતિમ પ્રકરણ ‘મંગલ મૃત્યુ’માં મૃત્યુનો ભય રાખવાને બદલે આ જીવનમાં ભોગોને તિલાંજલિ આપવા દ્વારા અપૂર્વ કોટિનું આત્મસત્વ ખીલવીને ‘ત્યાગમય સાધના’ દ્વારા પૂજ્યશ્રીએ આવતા જન્મોને સુધારવાની પ્રેમાળ પ્રેરણા કરી છે.