દેવાધિદેવ પરમાત્મા મહાવીરે કર્મનાશના ત્રણ ઉપાયો - શૌર્યથી ખતમ કરો, સમાધિથી સહન કરો. પુણ્ય સાથે પાપકર્મોને લડાવી દો - ઉપર પૂજ્યશ્રીએ ખૂબ સુંદર શૈલીમાં અદ્ભૂત નિરૂપણ કર્યુ છે. પૂજ્યશ્રીએ સૌ પ્રથમ અનેક દૃષ્ટાંતો આપીને કર્મની અપ્રતિહત, અચિન્ત્ય તાકાત વર્ણવી છે. સુખીઓને સુખભ્રષ્ટ કરીને દુઃખી કરવાના અને ધર્મીઓને ગુણભ્રષ્ટ કરીને પાપી કરવાના કર્મોના બે હુમલાઓનો પૂજ્યશ્રીએ આબેહુબ ચિતાર આપ્યો છે. આ બે હુમલાઓનો ભોગ બનેલા જીવોના દૃષ્ટાંતો વાંચીને કર્મોની ભયંકરતા, ધર્મની ભદ્રંકરતા જીવને સમજાયા વિના ન જ રહે, એ રીતે હૃદયસ્પર્શી લખાણ પૂજ્યશ્રીએ કર્યુ છે. અબાધાકાળ (જીવને તકલીફ નહીં આપતો કાળ) દરમ્યાન કર્મોને વિવિધ ધર્મારાધનાઓ દ્વારા પુનઃ આકાશમાં ધકેલી દેવામાં આવે તો તેના ભયાનક વિાપાક ભોગવવાનો અવસર જીવને ન આવે, માટે અબાધકાળ દરમ્યાન કર્મોને બાર પ્રકારના તપના શૌૈર્યથી ખતમ કરી નાંખવાની પૂજ્યશ્રીએ ભારપૂવર્ક ભલામણ કરી છે. જો કર્મો ઉદયમાં આવીને જીવને વિવિધ તકલીફોમાં મૂકી દે તો, તે વખતે સમાધિ (મનનું સમાધાન) રાખીને શાંત ચિત્તે તે વિપાક કાળ ભોગવી લેવા માટે સુંદર સમાધાનો પૂજ્યશ્રીએ આલેખ્યા છે. ગુંડાની સામે ગુંડાને ગોઠવવો પડે. પાપકર્મોને ખતમ કરી નાખવા માટે વિવિધ ધર્મક્રિયાઓ દ્વારા જોરદાર પુણ્ય બાંધીને પાપકર્મો સામે લડાવી મારવાની અદ્ભુત ચાવી પૂજ્યશ્રીએ દેખાડી છે.