એકાન્ત નિશ્ચયવાદને જડતાથી પકડી રાખીને ભોગપ્રેમી લોકો સમક્ષ વ્યવહાર ધર્મના તપ-ત્યાગને વખોડવાની કાનજીભાઇની વિકૃત ધર્મની પ્રરૂપણાને પૂજ્યશ્રી સહી ન શકયા. પૂજ્યશ્રીએ કાનજીભાઇ સાથે જાહેરમાં ત્રણ કલાક વાર્તાલાપ કરવાની ઇચ્છા દર્શાવી પણ કાનજીભાઇ સંમત ન થયા. અર્થકામપ્રેમીઓ અને તપ-ત્યાગાદિની સૂગ ધરાવતા લોકો આ ધર્મના અનુયાયી બનીને ભવોના ભવો બરબાદ કરવાની ભૂલ ન કરી બેસે તે માટે કરૂણાર્દ્ર પૂજ્યશ્રીએ કાનજીભાઇના મતની વિચિત્ર વાતોને પૂરી મર્દાનગીથી વખોડી કાઢી છે. ‘આત્મા ઉપર જડની કોઇ અસર નથી’ આવું પ્રતિપાદન કરતાં કાનજીભાઇના મતને જડબાતોડ દલીલો આપીને તોડી પાડ્યો છે. જગતના તમામ સંસારરસિક જીવોની નાડમાં અર્થકામનો રાગ ધબકારા દઇ રહ્યો છે એ વાતનો કાનજીભાઇએ સારામાં સારો લાભ ઉઠાવવા માટે ભગવાન મહાવીરના નામે એક નવો જ મિથ્યામત ઊભો કરી દીધો છે. પૂજ્યશ્રીએ વ્યવહારનયની મહાનતા ખૂબ સુંદર રીતે રજૂ કરી છે. ધર્મરસિક આત્મા જ્યારે કાંઇ ઊંડી પૂછપરછ કરવા જાય ત્યારે મૂંઝાયેલા કાનજીભાઇ એક જ પ્રત્યુત્તર વાળી દે, “આ ઝીણી વાત છે, તમને નહિ સમજાય !” કાનજીભાઇના કદાગ્રહી વિચારોમાં રમી રહેલી અશાસ્ત્રીયતાને પૂજ્યશ્રીએ તંદુરસ્ત શિષ્ટ પદ્ધતિથી આ ગ્રન્થમાં ખુલ્લી કરવાનો વિનમ્ર પ્રયત્ન કર્યો છે. પૂજ્યશ્રીને કાનજીભાઇ સાથે મૈત્રી છે. પૂજ્યશ્રીનો વિરોધ કાનજીભાઇની અશાસ્ત્રીય દેશના, અશાસ્ત્રીય જીવનપદ્ધતિ સામે છે.