પૂજ્યશ્રીએ આ પુસ્તિકામાં સુંદર કથાનક રસપૂર્ણ શૈલીમાં પીરસ્યું છે. વેરના વિપાક, રાગના ભયંકર અંજામ, નિયાણાની જાલિમતા વગેરે અનેક બોધપાઠ આ કથાનકમાંથી પાત્ર જીવને પ્રાપ્ત થયા વિના ન રહે. સંસારના વિવિધ ત્રાસોથી ત્રસ્ત થયેલા ચિત્ર અને સંભૂતિ દીક્ષાનો સ્વીકાર કરે છે. ચક્રવર્તીની પટ્ટરાણીના વાળની કોમળ લટ સંભૂતિ મુનિના ચરણને (વંદન કરતી વખતે) સ્પર્શી ગઇ. આ કોમળ સ્પર્શમાં આ મહામુનિ ભાન ભૂલ્યા. આ જીવનમાં કરેલા ઉગ્ર તપ, સંયમ બદલ નિયાણંુ (સંકલ્પ) કર્યું કે ‘મારા આ કઠોર તપના પ્રભાવથી મને આવતા ભવે આવું સુંદર સ્ત્રી-રત્ન પ્રાપ્ત થજો.’ આ નિયાણા - પ્રભાવે તેઓ પછીના ભવમાં બ્રહ્મ નામના રાજાની ચુલની નામની મહારાણીના પુત્ર બ્રહ્મદત્ત તરીકે ઉત્પન્ન થયા. બ્રહ્મદત્તે ભરતક્ષેત્રના છયે ખંડ ઉપર વિજયનો વાવટો ફરકાવ્યોે. તેઓ ચક્રવર્તી રાજા બન્યા. પૂર્વભવના સંકલ્પ મુજબ સુનંદા જેવી રૂપરમણી મળી. પૂર્વભવની ભોગસુખની ભીખ માંગવાની વૃત્તિનું પાપ તેના જીવનમાં એક અણધાર્યો પ્રસંગ તાણી લાવ્યું. બ્રહ્મદત્ત ચક્રવર્તીએ સોળ વર્ષ સુધી આંખના અંધાપાની તીવ્ર વેદના અનુભવી. આ સોળ વર્ષ મહાહિંસાના અતિક્રુર માનસિક પરિણામોમાં આ ચક્રવર્તીએ પસાર કર્યા. આ જીવનના થોડાક વર્ષોના પાપના અંજામ રૂપે ચક્રવર્તી બહ્મદત્ત સાતમી નરકમાં અસંખ્ય વર્ષો સુધી ઘોરાતિઘોર દુઃખો ભોગવવા ચાલ્યા ગયા.