ધર્મ, રાજકારણ, સમાજ, સંસ્કૃતિ, વિકૃતિ વગેરે ઘણાં બધા ક્ષેત્રોને આવરી લેતા વિચારોને કડવી - મીઠી ભાષામાં પૂર્ણ નિર્ભયતા + ભારે સ્પષ્ટતાપૂર્વક પૂજ્યશ્રીએ આ પુસ્તકમાં રજૂ કર્યા છે. પૂજ્યશ્રીએ વર્ષો પૂર્વે લખેલ આ વિચારોમાંથી કેટલાક આજે ધરતી ઉપર સત્યરુપે અવતરેલા જણાય છે, ત્યારે પૂજયશ્શ્રીની આગવી ‘દીર્ઘદૃષ્ટિ’ ઉપર ઓવારી જવાનું મન થાય છે. વડીલોને ઉદૃેશીને પૂજ્યશ્રી લખે છે કે ‘હું કબૂલ કરું છું કે આશ્રિતો, સંતાનો, પત્નીઓ અને વૃધ્ધ માતાપિતાઓમાં નાનાથી મોટા દોષો હશે જ, પરંતુ તે દોષોને નિર્મૂળ કરવા માટે ધિક્કાર ભરપૂર આક્રમણ તો કદી સારું નથી.’ આ વાત કેટલી બધી માર્મિક જણાઇ આવે છે. પ્રભુના શરણાગતોને પૂજ્યશ્રી જણાવે છે કે, “સંસારની ભોગ સામગ્રીથી ભયભીત થયા વિના કદી સાચી શરણાગતિ આવતી નથી. જો સંસારી સુખથી ડરી ઉઠીએ તો પ્રભુના શરણાગત બનવું જરાય મુશ્કેલ નથી.” સ્વરાજવાદીઓને પૂજ્યશ્રી જણાવે છે કે, ‘હિંદુસ્તાનને સ્વરાજ મળ્યું છે એની ભ્રમણામાં રખે તમે ફસાઇ પડતા !’ વિવિધ ૭૭ વિષયો ઉપર પૂજ્યશ્રીએ જે ધારદાર કલમ ચલાવી છે, તે વાંચતા પૂજ્યશ્રીની ભારે ખુમારી જણાઇ આવે છે. ‘આજ’ નહિં તો એક ‘આવતીકાલ’ એવી જરુર ઉગશે જયારે બહુસંખ્ય લોકોને આ વિચારો તરફ ધ્યાન આપવાની તાતી જરુર જણાશે. તેઓ જરુર બોલશે કે ‘વર્ષો પૂર્વે કહેવાએલી આ વાતો કેટલી બધી સાચી ઠરી!’