પતનના માર્ગે જતા ગુરુ મછંદરનાથને શિષ્ય ગોરખનાથ બચાવી લે છે, તેમ અર્થ અને કામ પાછળ પાગલ બનેલા જીવોને બચાવવા પૂજ્યશ્રીએ આ પુસ્તકમાં ‘જ્ઞાનામૃત’ ખૂબ સુંદર પીરસ્યું છે. સંક્ષિપ્ત લેખો ખૂબ મનનીય, આત્મવિકાસ કરનારા છે. પૂજ્યશ્રી લખે છે કે, સિનેમાને મનોરંજનનું સાધન કહેતી સુધરેલી (?) દુનિયાને કયા શબ્દોમાં ઠપકો દેવો એ જ સમજાતું નથી. ‘માણસને માણસ તરીકે પણ કાયમ રહેવું હોય તો પૈસાના બદલે પુણ્યના ખપી બનવું જોઇએ અને દુઃખના ખટકાવાળા બનવાના બદલે પાપના ખટકાવાળા બની જવું જોઇએ.’ ‘રામાયણ એટલે મર્યાદા, માનવતા અને અસ્મિતાથી ઓપતાં પાત્રોની કથા. વિજ્ઞાને નષ્ટ કરેલી મર્યાદા અને માનવતાની પુનઃ પ્રતિષ્ઠા માટે રામાયણ એક ઉત્તમ ગ્રંથ છે.’ ‘મિથ (પ્રાચીન વાર્તાઓ) વિનાનો માનવી મૂળ વિનાનાં ઝાડવાં જેવો છે.’ ‘સુખ જેવું કોઇ પાપ નહીં, ઇચ્છા જેવું દુઃખ નહીં, જન્મ જેવો રોગ નહીં’ - પૂજ્યશ્રીએ ખૂબ સુંદર આ ત્રણ મહાસત્યો રજૂ કર્યા છે. પાપ કરતાં પણ પાપ પ્રત્યેના રાગને ‘મહાપાપ’ કહીને તેનાથી દૂર રહેવાની ખાસ પ્રેરણા કરી છે. ‘નરકથી ય ભૂંડા સ્વર્ગનો પ્રેમ શા માટે ?’ - મુમુક્ષને નરક અને સ્વર્ગ - બંનેથી કાયમી છૂટકારો-‘મોક્ષ’ જ ખપે. પાપથી બચવાનો છેલ્લો તરણોપાય ! ‘હું મરી જવાનો છું.’ - એ વિચાર સતત સ્મૃતિપથમાં રાખો. ‘આપણને બધા ય વિના ચાલશે, પણ ધર્મ વિના તો નહીં જ ચાલે’ - દરેક ધર્મપ્રેમીને ઘરમાં અવશ્ય આ બોર્ડ રાખવાની પૂજ્યશ્રીએ ખાસ ભલામણ કરી છે.