પૂજ્યશ્રીની પ્રેરણાથી દર વર્ષે પર્યુષણ-પર્વાધિરાજની આરાધના કરાવવા માટે ગામે ગામ જતા શ્રમણોપાસક યુવાનો માટે આ પુસ્તકનું લેખન પૂજ્યશ્રીએ કર્યું છે. આ અદ્ભુત પુસ્તકના મનનથી જૈનસંઘોમાં ધાર્મિક વહીવટ અંગે ઉઠતાં પ્રશ્નોનું સમાધાન અવશ્ય થઈ શકશે. વિ.સં. ૨૦૪૪ની સાલમાં દેવદ્રવ્ય, ગુરૂદ્રવ્ય આદિના સંબંધમાં અમદાવાદમાં મળેલા મુનિસંમેલને જે પરામર્શ કરીને શાસ્ત્રીય નિર્ણયો લીધા હતા તેનો પણ આ પુસ્તકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પુસ્તકની બીજી આવૃત્તિના નવસંસ્કરણને વિશિષ્ટ કોટિનું પરિમાર્જિક સ્વરૂપ પૂજનીય આચાર્ય ભગવંતાદિએ આપેલ છે. આ પુસ્તકમાં જે કોઈ વિધાનો વગેરે કરવામાં આવ્યા છે તે શાસ્ત્રાધાર સાથે જ કરાયા છે. પ્રથમ ખંડમાં ધાર્મિક દ્રવ્યનો વહીવટ કરવાની યોગ્યતા કોનામાં ? ટ્રસ્ટી કોણ બની શકે ? વગેરે ઉપર સુંદર માર્ગદર્શન આપ્યુ છે. તદુપરાંત, જિનપ્રતિમા આદિ સાત ક્ષેત્રો તથા ઉપાશ્રય આદિ સાત ક્ષેત્રોનું ખૂબ સુંદર વિવેચન કર્યુ છે. બીજા ખંડમાં દર્શાવેલી ચૌદ ક્ષેત્રો અંગે સુંદર પ્રશ્નોત્તરી દ્વારા અનેક ગેરસમજો દૂર થઈ જવા સંભવ છે. ટ્રસ્ટીઓ અંગે પ્રશ્નોત્તરી ખાસ વાંચવાથી ટ્રસ્ટીઓને પોતાની ફરજોનું ભાન થશે. જેથી સંઘનો સુચારૂ વહીવટ થઈ શકશે. ત્રીજા ખંડમાં દેવદ્રવ્ય-ગુરુદ્રવ્ય-વ્યવસ્થા અંગે સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું છે.