અનાદિકાળથી સંસારમાં ભટકતા જીવ રૂપ મુસાફીરને ઉઠાડવાના, જગાડવાના પ્રયત્નો પૂજ્યશ્રીએ આ નાની પુસ્તિકામાં ખૂૂબ સુંદર રીતે કર્યા છે. ટોળાવાદના ધસમસતા ઘોડાપૂરમાં તણાઇ રહેલા ભોગી જીવોને કરૂણાર્દ્ર પૂજ્યશ્રી ચેતવી રહ્યા છે. જરા પણ નિરાશ થયા વિના સન્માર્ગે ‘આગળ ધસો’ની સુંદર પ્રેરણા પૂજ્યશ્રી પૂરી પાડી રહ્યા છે. ભોગવાસનાને શાન્ત પાડવાના બે અદ્ભુત ઉપાયો દર્શાવીને પૂજ્યશ્રીએ કમાલ કરી છે. તદૃ્ન કાબૂ બહાર ગયેલા સંતાનોને સુધારવા ધિક્કાર કે નફરતની લાગણીઓ ન જ વરસાવો. વિજય મળવાનો હશે તો ય વાત્સલ્યથી જ મળશે. સિનેમા, સહશિક્ષણ, છુટાછેડા, ગર્ભપાત, આંતરજ્ઞાતીય લગ્નો વગેરેના અતિ ભયાનક દુષ્પરિણામોનો ચિતાર પૂજ્યશ્રીએ સુસ્પષ્ટ શૈલીમાં રજૂ કર્યો છે. વિજ્ઞાનના પ્રત્યેક સાધનોની શોધ માનવ-જાતના અસ્તિત્વ માટે જ જોખમી બની રહ્યાની સ્પષ્ટ ચેતવણી પૂજ્યશ્રીએ આપી છે. મોક્ષમાર્ગે આગળ વધવા માટે પૂજ્યશ્રીએ ‘વિરાગ : ભક્તિ : સમાધિ’ આ ત્રણ ગુણો ઉપર ટૂંકાણમાં પણ સુંદર વિવેચન કર્યું છે. વિશુદ્ધ પુણ્યની અપરિહાર્ય તાકાત જણાવીને તેનો સંગ્રહ સર્વ સાધકો માટે ખૂબ જરૂરી જણાવ્યો છે. પાપક્ષયથી ઉત્પન્ન થતી ‘શુદ્ધિ’ની આત્મામાં ગેરહાજરી હશે તો ‘સત્કાર્યસિદ્ધિ’ પ્રાપ્ત નહિ થાય.