કલિકાલ સર્વજ્ઞ ભગવંતે યોગશાસ્ત્ર ગ્રંથના છેલ્લા બારમા પ્રકાશના છેલ્લા શ્લોકમાં જણાવ્યું છે કે, “હે આત્મન્ ! તું દેવદેવતાને રીઝવવાનું ય છોડી દે અને ભગવાનને પણ ખુશ કરવા કરતાં તું તારી જાતને ખુશ કર. એને દુઃખ અને દુર્ગતિમાંથી બહાર કાઢીને, મોક્ષમાં મોકલીને અપાર આત્માનંદમાં સ્નાન કરાવ.” અરિહંતાદિ સ્વરૂપ આપણો વિશુધ્ધઆત્મા જ મંગલ છે. એનો ગુણભંડાર તે જ મંગલ છે. મંગલોનંુય મંગલ, મહામંગલ છે. પૂજ્યશ્રી લખે છે કે જગતના અતિ દુઃખી જીવોને જોઇને આત્મત્વના નાતે સર્વ જીવો સાથે અપરિહાર્ય કુટુંબભાવ સંવેદના જગાડયા વિના રહી શકો તેમ નથી. પરંતુ આ સર્વરક્ષાને અંશતઃ પણ કાર્યાન્વિત શી રીતે બનાવી શકાય? આના સમાધાનમાં પૂજ્યશ્રી જણાવે છે કે એ માટે પ્રચંડ પુણ્યતત્વ ઉત્પન્ન કરવું, પુણ્યની ઉદીરણા કરીને પણ ઉદયમાં લાવવું. પુણ્યાનુબંધી પુણ્યને પામવા માટેનો રસ્તો છે સંઘરક્ષા. તીર્થકરદેવ સ્થાપિત શ્રી સંઘ વધુમાં વધુ શકય જિનાજ્ઞાઓનો પાલક અને સર્વ જિનાજ્ઞાઓનો કટ્ટર પક્ષકાર બને ત્યારે જ તેની રક્ષા થઇ કહેવાય. સંઘરક્ષાનું અતિ-મહાન કામ કરવા માટે તે આત્માએ “તીર્થરક્ષા” કરવી જોઇએ. “તીર્થરક્ષા” કરવા માટે “આત્મરક્ષા” કરવી જોઇએ પૂજ્યશ્રીએ આ અદ્ભુત પુસ્તકમાં “મંગલ ભગવાન વીરો” શ્લોકના પાંચ અર્થો સુંદર શૈલીમાં જણાવ્યા છે. ત્રિમૂર્તિ પ્રભુવીર, વિનયમૂર્તિ ગૌતમસ્વામીજી, મહામુનિ સ્થૂલિભદ્રજીની ખૂબ સુંદર શૈલીમાં ઓળખાણ આપી છે.