અહંકાર અને દ્રોહભાવે આત્માને કર્મથી મલિન બનાવ્યો છે. પરમેષ્ઠી-ભક્તિ દ્વારા આ બેય દોષો ખતમ થઇને આત્મામાં મૈત્રી અને શુધ્ધિ ઉત્પન્ન કરે છે. શાસ્ત્રનીતિના ભક્તિ, મૈત્રી અને શુધ્ધિનો આત્મામાં ત્રિવેણીસંગમ તે જ આત્મરક્ષા. આવી આત્મરક્ષા જેને પ્રાપ્ત થાય તેનામાં સહજપણે શૌર્ય પેદા થઇને જ રહે. આ શૌર્યથી તીર્થરક્ષા, સંઘરક્ષા અને સર્વરક્ષાનાં મહામંગલમય કાર્યોનાં આંદોલનો પેદા થાય અને સફળ થાય. પૂજ્યશ્રી લિખિત આ પુસ્તકનો ઉપર્યુકત સાર છે, તેમ જરૂર કહી શકાય. પ્રથમ ખંડમાં ‘વિશ્વદર્શન’ના વિવેચનમાં ગૌર પ્રજાની કૂટનીતિઓ વગેરે અંગે પૂજ્યશ્રીએ હૈયાવરાળ ઠાલવી છે. ‘ભારતદર્શન’ના વિવેચનમાં મહાન આર્યાવર્ત, ભારત ઉપર ભેદી આક્રમણ, દેશી અંગ્રેજો દ્વારા થયેલી ગંભીર ભૂલો, ગાંધીજી દ્વારા પ્રજાનું અહિત, ત્રણ ખોટા પાયાઓ : લોકશાહી, મેકોલે શિક્ષણ અને બિનસાંપ્રદાયિકતા, ચાર મોટા અનિષ્ટો : સ્વાર્થ, હિંસા, દુરાચાર અને નાસ્તિકતા ઉપર સ્પષ્ટ શૈલીમાં પૂજ્યશ્રીએ આલેખન કર્યુ છે. ‘આત્મદર્શન’ના વિવેચનમાં “આત્મા+મોક્ષ પુરુષાર્થ” અને “કાળ ફર્યો છે, તો કામે લાગીએ” આ બે વિષય ઉપર આગવું ચિંતન પીરસ્યું છે. બીજા ખંડમાં ઉપાદાન અને નિમિત્ત, કેવા કેવા નિર્મળ આત્માઓ ! સૂક્ષ્મ બળોની તાકાત, દેવગુરુભક્તિ, ભક્તિના બે આડલાભ : પુણ્ય અને મૈત્રી, દે દોટ સમંદરમાં વગેરે વિષયો ઉપર હૃદયપરિવર્તક વિવેચન સરળ શૈલીમાં રજૂ કર્યુ છે.