આર્યાવર્તની મહાપ્રજા, તેની મોક્ષલક્ષી ચાર પુરુષાર્થની અહિંસક સંસ્કૃતિ ! એ સંસ્કૃતિના પાયા ઉપર ઉભેલો એકાન્તે મોક્ષદાતા ધર્મ ! આ ત્રણેય ઉત્તરોત્તર મહાન છે. આ ત્રણેયને ખતમ કરી નાંખવા માટેની ભેદી વ્યૂહ રચનાઓ આસપાસ ગોઠવાઇ ગયેલી જોવા મળે છે. જયારે શિક્ષણ સંસ્થાઓમાંથી મોેટી સંખ્યામાં પશુઓ, બેકારો અને માફીઆઓ બહાર પડતાં હોય, જયારે ધાર્મિક પાઠશાળાઓ માંડ માંડ ચાલતી હોય, જયારે પુરુષે શૌર્યને અને સ્ત્રીએ શીલને સાવ ખોઇ નાંખ્યા હોય ત્યારે જો યુધ્ધના ધોરણે ઉપર્યુકત ત્રણ તત્વોના સંરક્ષણ અને સંવર્ધન માટે ગંભીર વિચારણા સાથે સખત કામગીરી શરુ કરી દેવાય તોે ઘણું સારું પરિણામ આવી શકે તેમ છે, એવું પૂજ્યશ્રીને ચોક્કસ લાગે છે. હા.... તે માટે કેટલીક ચાલાકી (ગીતાર્થતા)ને બરોબર અજમાવવી પડે ખરી. તપોવન - પદ્ધિતની આર્યાવર્તની મૂળભૂત પરંપરાને આજની રીતે છતાં સંપૂર્ણપણે ધર્મ આધારિત દૃષ્ટિ સાથે જો પુનર્જીવિત કરાય તો તેના દ્વારા ઘણું સરસ કામ થઇ શકે. શુભ તત્વોના પુનર્જીવનમાં સંખ્યાબળ કરતાં ગુણવત્તાની ખૂબ આવશ્યકતા છે. સ્થૂળ બળો કરતાં સૂક્ષ્મની તાકાતનું સર્જન અત્યંત જરૂરી છે. પૂજ્યશ્રી લખે છે કે જો સુયોગ્ય રીતે તપોવનની પ્રણાલિને જીવંત કરવામાં આવે તો ચર્ચ સંસ્થાઓ (કોન્વેન્ટ, હોસ્પિટલો, દેવળો વિગેરે) જે કામ ત્રણસો વર્ષમાં કરી શકી નથી એ કામ આપણે તપોવન સંસ્થાઓ દ્વારા નિશ્ચિતપણે હાંસલ કરી શકશું.