બે તપોવનો (નવસારી અને સાબરમતી પાસે આવેલ)માં જે વિચારોના નેત્રદીપક અને ભાવવાહી વાક્યો કંડારાયા છે- તેનાથી તે સુવિચારોનું વન બન્યા હોય તેવો ભાસ થાય છે. આ સુવિચારો ખરેખર હૃદયસ્પર્શી ,જીવનપરિવર્ત્તક છે. કેટલાક સુવિચારોનો રસાસ્વાદ માણીએ. પરદુઃખચિંતન એ માનવતા છે.સ્વદોષદર્શન એ મહાનતા છે. ધાર્મિકતા એ સુંદર બાબત છે,પરંતુ તેથી માનવતા-રાષ્ટ્રીયતાની ઉપેક્ષા ન કરાય,તેથી ધર્મ વગોવાય. દોષોનો સમ્રાટ અહંકાર છે,કેમકે તે સ્વદોષદર્શન અને પરગુણદર્શન કદી થવા દેતો નથી. આવકના દશ ટકા નવી પેઢીના સંસ્કરણમાં વાપરો,જો ત્યાં ધર્મ નહિં ઉતરે તો ધર્મનાશ થતાં ઝાઝી વાર નહિ લાગે. જો તમને સ્વજનો વહાલાં હોય તો તેમના જીવતરને ઝેર કરતાં ટી.વી. વગેરેને ઘરમાંથી દૂર કરો,છેવટે કેબલ, સ્ટાર, ઝીના કનેક્શનો કાપો જ. તે પાપી નથી જેને ઘોર પશ્ચાત્તાપ છે, તે ધર્મી નથી જેને ખૂબ અહંકાર છે. સુખવાન,ધનવાન કે શક્તિમાન નહિ પણ ગુણવાન બનવાના કોડ સેવો.સુખીને નહિ,પણ ગુણીને જોઇને સ્તબ્ધ બનો. જો તમને મહાવીરના વચનમાં વિશ્વાસ હોય તો આ બે વાત હૃદયથી સ્વીકારી લો : (૧) રાત્રિભોજન નરકનું દ્વાર છે. (૨) કંદમૂળ-સેવન મહાપાપ છે. સાચો ધર્મી તે જ કહેવાયઃ (૧) જે દુઃખમાં ડગે નહિ. (૨) સુખમાં છકે નહિ. (૩) પાપમાં મજા રાખે નહિ. સદ્ગુરુ પાસે તમારા સઘળા પાપોનું પ્રાયશ્ચિત કરો પછી....નવું પ્રભાત,નવું જીવન...