Books by: Dr. Dikpalsinh K. Jadeja

આ દુનિયામાં એવું એક પણ બાળક નથી કે જેને વાર્તા સાંભળવી ન ગમતી હોય. પછી એ બાળક ગરીબ અવસ્થામાં ઉછરતું હોય કે અમીર અવસ્થામાં. દર બીજી કલાકે રંગ-રૂપ બદલતી આ દુનિયામાં આજે કોઈને પણ એ જોવાનો સમય નથી કે, ''આપણાં વર્તમાનકાળમાં આપણું ભવિષ્ય એટલે કે, આપણાં બાળકો કેવી દશામાં અને કઈ દિશામાં ઊછરી રહ્યાં છે.?'' આજે, આપણી પાસે આપણા બાળકોને આપવા માટે બધું જ છે. આપણે બાળકોને સુવિધાઓ આપી, આપણે બાળકોને તંદુરસ્ત ખોરાક અને કપડાં-લત્તા આપ્યાં, આપણે બાળકોને પોલિયો અને ઓરી-રૂબેલા જેવાં રોગોમાંથી મુક્ત કર્યાં, આપણે બાળકોને મોંઘીદાટ નિશાળોમાં દફતરો અને આપણી આશા-અરમાનોના સપનાઓ ઉપાડનારાં માસૂમ મજૂરો પણ બનાવ્યાં. પણ, આપણે બાળકોનું બાળપણ ન કેળવી શક્યાં; આપણામાંથી ઘણાં બધાં વાલીઓ અને શિક્ષકો પણ બાળકોનું બાળપણ સાચવી શકવામાં ઊણાં ઊતર્યા એ નગ્ન સત્ય છે અને તેનો સ્વીકાર સમાજે અને આપણે સહુએ કરવો જ રહ્યો. આપણે બાળકોને દરરોજ એક વાર્તા સંભળાવવાનું ચૂકી ગયાં છીએ કે આજે પણ ચૂકી રહ્યાં છીએ. અને, આ સાવ નાની લાગતી આપણી આ ચૂકથી સમાજની તંદુરસ્તી અને સ્વાસ્થ્ય ઉપર કેવી અસરો થઈ રહી છે તેની કેટલીક વાતો મારે આપ સહુને કરવી છે. કોઈને કદાચ એમ લાગશે કે બાળકોને વાર્તા કહેવી એમાં વળી એવી કઈ મોટી ઘટના છે?!! એમાં વળી એવો તે શું મીર મારવાનો હતો ?!! સાવેય સાચી વાત છે. બાળકોને, નાના બાળકોને વાર્તા કહેવી એ કોઈ દેખીતી મોટી ઘટના તો નથી જ. પણ હું માનું છું આપણે બાળકોને દરરોજ એક વાર્તા કહીશું તો ભવિષ્યમાં યુદ્ધો થતાં અટકાવી શકીશું, બળાત્કાર થતાં અટકાવી શકીશું, વૃદ્ધાશ્રમો અને અનાથાશ્રમ-બાલાશ્રમ જેવી આપણા માનવ-અસ્તિત્ત્વની કાળી બાજુઓને ભૂંસી શકીશું. હા, મને બરાબર સંભળાયું. તમે એમ પૂછ્યુંને કે, ''બાળકને વાર્તાઓ સંભળાવવાથી આ બધું વળી અટકાવી કેમ શકાય ?!! બાળવાર્તાને અને આ બધી ઘટનાઓને શું સંબંધ?!!'' પણ હા, આજે ૬૫૦(છસ્સો પચાસ) બાળવાર્તાઓના ઓડિયો રેકોર્ડિંગના પ્રસારણ પછી બાળકોના દરરોજના પ્રતિભાવો જયારે હું મેળવું છું ત્યારે ત્યારે મારી આ પ્રતીતિ વધુ ને વધુ દૃઢ બનતી જાય છે કે, – ''આ દુનિયામાં ભૂતકાળમાં જે કંઈ થયું તે ભલે થયું. હું કે તમે એને અટકાવી નહોતા શક્યાં. પરંતુ આ દુનિયામાં હવે જે કંઈ 'બનવાનું છે' કે 'થવાનું છે' તે બધું આપણાં અને આપણી આસપાસ રમતાં-કૂદતાં બાળકો દ્વારા જ બનવા-થવાનું છે. હા, હું સ્પષ્ટપણે માનું છું કે કોઈ પણ ધર્મગ્રંથો કરતાં પણ સૌથી વધુ અસરકારક કામ બાળવાર્તાઓ કરી શકે છે. કેમકે, માણમજાતની આ દુનિયા કથાઓની-વાર્તાઓની બનેલી છે. યાદ રાખજો, આપણા તમામ સામાજિક ગઠબંધનો એ માણસજાતે યુગોથી ઉપજાવી કાઢેલી એક કથા, એક સ્ટોરી માત્ર છે. આ કથાઓ, વાર્તાઓથી જ આપણે આપણી દુનિયા રચી છે. પૈસો, પ્રેમ, ધિક્કાર, લગ્ન, સંબંધોની રખરખાવટ અને સંબંધોનું ખોખલાપણું એ આપણી પેઢી-દર-પેઢીથી ઉપજાવેલી 'કાલ્પનિક વાસ્તવિકતા'ઓ માત્ર છે. જંગલમાંથી નીકળીને ગૃહસ્થ થયાં એ પછી આપણે અવનવી, અટપટી કથાઓ રચી. જેમાં ધર્મ-અધર્મ, સારું-નરસું, લાગણી અને ધિક્કાર સિવાય એ દરેક ભાવ અને પદાર્થની કથાઓમાં આપણે ઘુસતાં ગયાં જે આપણી બુદ્ધિએ ઊભી કરેલી કલ્પનાઓ હતી. આ કલ્પનાઓ ધીમે ધીમે કથાઓનું રૂપ લેતી ગઈ અને આપણે સહુ એના પાત્ર બનતાં ગયાં. બાકી માણસજાત તો મૂળથી આ બ્રહ્માંડનું મગતરું કે મચ્છર જેવું જંતૂડું માત્ર છે(હતું). માટે, એ યાદ રાખવા જેવું છે કે આપણે ઊભી કરેલી, આપણે રચેલી આ કથાઓ અને વાર્તાઓથી જ આ આપણી આસપાસની 'સામાજિક દુનિયા' રચાઈ છે. કથાઓ જ દુનિયા બનાવે છે. કથાઓ જ માણસને ધર્મ, જ્ઞાતિ, સામ્રાજ્યવાદ કે સામ્યવાદમાં વિશ્વાસ કરતાં કે અવિશ્વાસ કરતાં શીખવે છે. આજે, આપણે સહુ એવાં ઘણાં સામાજિક ઢાંચાઓથી ઉબાઈ ગયાં છીએ જે આજના સમયમાં આપણાથી એ કથાઓના પાત્ર બનીને જીવવું શક્ય નથી. તો એમાંથી નીકળવા આપણે શું કરીશું? આપણી પાસે રસ્તો એક જ છે, જૂની કથાના પાત્ર મટીને નવી કથાઓ રચવી અને આપણી ભવિષ્યની પેઢીને એના *સારાં અને યોગ્ય* પાત્ર બનાવવા. માણસજાત આજે 'શાંતિ માટે યુદ્ધો લડે છે' આના જેવી કરુણ કથા(Tragic story) આ દુનિયામાં બીજી કઈ હોઈ શકે?!! વિજ્ઞાનીઓ તો ભવિષ્ય ભાખી ચૂક્યા છે કે આવનારા એક હજાર વરસ પછી આપણે આ પૃથ્વી ઉપર હશું કે કેમ?- એ આપણી જીવનકથાનો સહુથી મોટો પ્રશ્ન છે. માણસજાત સહુ પહેલા ભાષા બોલતી થઈ ત્યાર પછીથી એટલે કે અંદાજે ૭૦,૦૦૦ વરસ પહેલા થયેલી આ કૉગ્નિટિવ ક્રાંતિ પછીથી; આપણે અનેક કથાઓના જાળા રચીને સામ્રાજ્ય, દેશ, સરહદો ને સંબંધોની કથાઓ ઊભી કરી છે. એ વિચારવા જેવું છે કે પાછલાં ૧,૦૦,૦૦૦ વરસમાં આપણે શું પ્રાપ્ત કર્યું છે? ઇતિહાસકારો કહે છે આજના માણસ કરતાં એક લાખ વરસ પહેલાનો આદિમાનવ વધુ સુખી અને સંતોષકારક જીવન જીવતો હતો. *સુખનો માપદંડ સંપત્તિ નહિ, શાંતિ હોવો જોઈએ.* દુનિયા કેવી બનાવવી છે એનો આધાર તમે કેવી કથાઓ રચો છો એના પર હોય છે. બાળક જન્મે છે ત્યારે સાવ કોરી પાટી હોય છે. ભવિષ્યની પેઢીને તમારે ગાંધી, લિંકન બનાવવા છે કે ઓસામા બિન લાદેન એ તમારી ઊભી કરેલી, તમારા સહુની રચેલી કથાઓ જ નક્કી કરે છે. માના ગર્ભમાંથી બાળક એવી રીતે બહાર આવે છે, જેવી રીતે ભઠ્ઠીમાંથી તરલ કાચ બહાર આવતો હોય. એને ગજબની હદ સુધી કાંતિ શકાય, ખેંચી શકાય અને આકાર આપી શકાય. એ જ કારણ છે કે આજે આપણાં બાળકોને હિન્દુ, મુસ્લિમ, બૌદ્ધ, ઇસાઈ, સામ્રાજ્યવાદી, સામ્યવાદી, મૂડીવાદી, શાંતિપ્રિય કે યુદ્ધખોર બનાવી શકીએ છીએ. આ બધાંનો આધાર બાળપણમાં બાળકો કેવી કથાઓ સાંભળીને કે જોઈને માટાં થાય છે તેના પર રહેલો છે. એટલે વાત તો દીવા જેવી ચોખ્ખી છે, કથાઓ જ દુનિયા રચે છે ને કથાઓ જ દુનિયા તોડે છે. દુનિયા રચવી કે દુનિયા ખેદાનમેદાન કરી નાખવી તેનો બધો જ મદાર આપણે ઊભી કરેલી, આપણાં બાળકોને સંભળાવેલી, દેખાડેલી કથાઓની કાલ્પનિક વાસ્તવિકતાઓ પર છે. હવે જો એક માત્ર કથાઓથી જ દુનિયા બનાવી શકાતી હોય તો શા માટે એ કથાઓનો ઉપયોગ આપણે તંદુરસ્ત સમાજ બનાવવા માટે ના કરવો? આપણે બાળકોનું ભવિષ્ય સારી કથાઓ સંભળાવીને તંદુરસ્ત બનાવી શકીએ એમ છીએ. કોઈ મોંઘીદાટ નિશાળો આ નહીં કરી શકે. કેળવણીએ સારી સારી કથાઓ અને વાર્તાઓનો આધાર લીધા વિના છૂટકો નથી જ. તમારે ભવિષ્યને જો તંદુરસ્ત(healthy)બનાવવું હશે તો તમારું બાળક ઓછામાં ઓછું દસ વરસનું થાય ત્યાં સુધી તેને દરરોજ એક બાળવાર્તા સંભળાવો. મને ઘણાં વાલીઓ કહે છે, ''મારું બાળક તો હજી છ જ મહિનાનું છે. એને મારે કઈ રીતે વાર્તા સંભળાવવી?! એ તો હજી બોલતા'ય નથી શીખ્યું ને એવડાં અમથાને શું ખબર પાડવાની?!!'' મારો જવાબ એટલો જ છે કે, ''બાળક છ મહિનાનું થાય ત્યારથી જ બાળકને દરરોજ એક બાળવાર્તા કહેવાનું-સંભળાવવાનું શરુ કરી દો. બાળકને કાન છે જ અને કાન પોતાનું કામ તો બાળક જન્મે ત્યારથી જ શરુ કરી દે છે. કાને પડેલું કશું ફોગટ જતું જ નથી. અને પછી જુઓ કે બે જ વરસમાં તમારી સામે કેવું બાળક પ્રગટે છે. નવાં નવાં જે માબાપ થયાં છે તેવાં વાલીઓએ તો આ પ્રયોગ કરવા જેવો છે. પણ બાળકોને દરરોજ વાર્તા કહેવાનું આ કામ સાતત્યપૂર્ણ રીતે, સમયના લાંબા પટ સુધી અને સામૂહિક જવાબદારી તરીકે થવું જોઈએ. આવો, આપણે સહુ શરૂઆત તો કરીએ. દરેક દેશના સરકારી તંત્રએ આ કામને પોતાની રાજકીય અને એક નૈતિક જવાબદારી તરીકે હાથમાં લેવા જેવું છે. જેવી રીતે પોલિયો નાબુદીનું અભિયાન ચલાવી શકાય તેવી રીતે શું બાળકોને દરરોજ એક વાર્તા સંભળાવવાનું અભિયાન ના ચલાવી શકાય?? બાળકો એ માનવજીવનની કોરી પાટી છે. બાળક જન્મે એ પછી કિશોરાવસ્થા(teen age).એ પછી યુવાની(young age) ત્રીજી અવસ્થા અને છેલ્લે વૃદ્ધાવસ્થા(old age) માનવજીવનની આખરી અવસ્થા છે. આ કંઈ નવી વાત નથી, ઉત્ક્રાંતિએ આપણને આ જ શીખવ્યું છે. જન્મીને ગોઠણભેર ચાલો અને પછી ઊભાં થતાં શીખો; ઊભાં થઈને યુવાનીમાં વધુ ઊંચા થાઓ અને ઘડપણે 'જીવનના ભાર'થી લચી પડો. આ કંઈ નવી વાત નથી, તમે બધાં જાણો છો કે, વૃક્ષ ક્યારેય સીધું જમીનમાં રોપાઈ નથી જાતું. છાંયડા કોને કહેવાય એની ખબર એક વૃક્ષને નાનપણથી હોય છે. વૃક્ષ સાવ નાનો છોડ હોય ત્યારથી એ છાંયડાનું મૂલ્ય જાણતું હોય છે, ફળ કોને કહેવાય?, ફૂલ કોને કહેવાય ? એની ખબર ઝાડવાઓનાં મૂળને'ય હોય છે. તો, આપણા આંગણે અને ફળિયામાં આસપાસ ઉછરતાં આપણાં બાળકો વિશે આપણે કે આપણો સમાજ આટલો બેદરકાર કેમ છે ?!! માત્ર દવાખાનાઓ અને મોંઘીદાટ શાળાઓ સ્થાપવાથી જ આપણને છાંયડાઓ નહીં મળે. હું હજી કહું છું : 'ફળ ખાવા હોય તો ઉછરતાં વૃક્ષની માવજત કરવી પડે હો. છાંયડાઓ જોઈતા હોય તો છોડના મૂળિયાઓ પાસે ઊગી નીકળતા નિંદામણ કાઢવા પડે. દરરોજ એ તપાસ કરતાં જ રહેવી પડે કે છોડની જેમ ઉછરતા આપણા બાળકના મૂળ સડતાં તો નથીને?? અને નિંદામણ અને ખાતર-પાણીનું આ કામ બાળકને દરરોજ એક વાર્તા સંભળાવવાથી કે વાર્તા કહેવાથી સહેલું બને છે. બાળવાર્તાઓ જંતુનાશક દવા તરીકેનું કામ આપે છે એની પ્રતીતિ ૬૫૦ વાર્તાઓ બાળકોને સંભળાવ્યા પછી મને થઈ રહી છે. આ દવા ક્યાંય, કોઈ રીતે પણ ઝેરી નથી જ એની ખાતરી રાખજો. તમે બધાં ક્યારેક બાળકોને પૂછજો કે એ બધાં નાનકૂડાં શું ઈચ્છે છે? ભાઈ, બાળકો કશું જ ઇચ્છતાં નથી સિવાય કે આનંદ અને માબાપની અને સમાજની હૂંફ. મોંઘા રમકડાં કે વિડીઓગેમ રમવાની કે મોબાઈલમાં ગેમ રમવાની જિદ્દ તો આપણે મા-બાપોએ જ એ બધાને શીખવી છે. હું તમને ચેલેન્જ કરીને, ખાતરીપૂર્વક કહી શકું છું કે – ''માત્ર એક મહિના સુધી બાળકોને દરરોજ એક બાળવાર્તા કહો. તમે તમારી આંખ સામે જ બાળકમાં આશાસ્પદ ફેરફાર થતાં ભાળશો. વોટ્સેપ, ટેલીગ્રામ ચેનલ વગેરેના માધ્યમથી દરરોજ એક વાર્તા હું બાળકોને કહું છું. સોશિયલ મીડિયાના આ માધ્યમોથી દરરોજ ઓછામાં ઓછાં અંદાજે ૧૨,૦૦૦(બાર હજાર) કરતાં પણ વધુ લોકો સુધી આ બાળવાર્તાઓ પહોંચી રહી છે ત્યારે હવે, મને મળતાં બાળકોના વાલીઓના અને બાળકોના પોતાના પ્રતિભાવો ઉપરથી એટલું જ સમજાય છે કે, : ''વાર્તા સાંભળવી એ બાળપણના મન-હૃદયનો મુખ્ય ખોરાક છે. બાળક અન્નથી ભૂખ્યું સૂવા તૈયાર હોય છે પણ વાર્તા સાંભળ્યા વિના રાતે એ સૂતું નથી.'' તમારામાંથી ઘણાં કહેશે કે, : ''બાળકો બહુ ચંચળ હોય છે. એક દસ મિનીટની વાર્તા સાંભળવામાં પણ એમનું ધ્યાન નથી હોતું.'' વાત તો સાચી છે. બાળક લાગે છે તો ચંચળ. પણ ક્યારેય તમે શું એ વિચાર્યું છે કે બાળકો ચંચળ કેમ છે? બહુ સીધો જવાબ છે. બાળક આ સંસારના બગીચામાં એક ઊગતો છોડ છે. સંસારની દરેક હવા, દરેક પવન બાળકને આકર્ષે છે. આપણા રોજિંદા જીવનની એકોએક નાની-મોટી ઘટનાઓ એને મન અતિ અગત્યની છે. ચોવીસ(૨૪) કલાકમાં એવી એક પણ ક્ષણ નથી હોતી કે જે બાળક માટે અગત્યની ન હોય. બાળક ચંચળ છે એમ કહેવા કરતાં હું તો એમ કહીશ કે બાળક માનવજીવનની સૌથી વધુ 'ધબકતી અવસ્થા' છે. અને એટલે જ, બાળકનો આ ધબકાર આ-જીવન અકબંધ રાખવા માટે એ છ મહિનાનું હોય ત્યારથી માંડીને દસ વરસનું થાય ત્યાં સુધી દરરોજ એને એક બાળવાર્તા કહેવી જ જોઈએ. બાળક ચંચળ નથી. અને જો હોય તો એની એ ચંચળતામાં આપણે જ વધારો કરતાં હોઈએ છીએ. કેમ કે, બાળકને આપવા માટે આજે આપણી પાસે 'ખોરાક, કપડાં અને રમકડાં' સિવાય કશું જ નથી. સમયની દડમજલમાં અટવાઈ ગયેલાં આપણે એવાં માબાપ, એવાં વાલીઓ છીએ કે આપણાં બાળકો આપણી આંખ સામે જ રેઢાં ઊછરી રહ્યાં છે. બાળકોને વાર્તા સંભળાવતી વખતે તમે વાલીઓ અને શિક્ષકો એ ચિંતા ક્યારેય ન કરો કે બાળકો આખ્ખી વાર્તા સાંભળતા નથી. હું સ્પષ્ટપણે માનું છું કે આપણાં કાનમાં જે કોઈ શબ્દો પડે છે તે કોઈકને કોઈક સમયે, કોઈક ને કોઈક રૂપે કે રીતે anyhow react/reflect થાય જ છે. દુનિયાભરના દર્શનશાસ્ત્રો એક જ વાત કહે છે : 'સાંભળેલું બધું જ અવતરે છે.' આપણે જે-જે સાંભળ્યું છે તે-તે બધું જ પાંચ-પચ્ચીસ કે પચાસ વર્ષે પણ આપણાં આચાર-વિચારમાં જુદે જુદે રૂપે-રંગે પ્રગટે જ છે, રીફ્લેકટ(reflect) થાય જ છે. ઓશોએ ક્યાંક કહ્યું છે કે, 'મનુષ્યની ઉંમર તેર વરસથી વધુ નથી.' રજનીશજીની આ વાતનો અર્થ હું એટલો જ કરું છું કે તેર વરસ પછીનું આપણું બધું જ આયુષ્ય આપણાં બાળપણનાં જ પડછાયા કે પડઘા છે. તેર વરસ પછી આપણે જે જીવીએ છીએ તે તો બાળપણના જીવનની પ્રતિચ્છ્વી માત્ર છે. બાળપણમાં આપણે જે કંઈ સાંભળ્યું હતું; આપણે મોટપણે તેને જ જન્મ આપીએ છીએ. તો, શા માટે આપણે બાળકોને દરરોજ એક બાળવાર્તા ના સંભળાવવી ? એક મહિના સુધી દરરોજ એક બાળવાર્તા બાળકોને કહો કે સંભળાવો. બાળકને ધીમે ધીમે સાંભળવાની ટેવ પડશે. જમતી વખતે ખોરાકનો કોળિયો મોંમાં કેમ લેવાય ? પલાંઠી વાળીને કેમ બેસાય ? માથું કેમ, કેવી રીતે ઓળાય ? – એ બધું જો ધીરજપૂર્વક બાળકને આપણે શીખવતા હોઈએ તો શું આપણે એટલામાં થાકી જઈશું અને એવી વાતોની ચર્ચા જ કર્યા કરીશું કે, 'બાળક ચંચળ છે. એ એક વાર્તા પણ પૂરી સાંભળતું નથી.' વાર્તા સાંભળવાની એને ટેવ પડશે જ એની પ્રતીતિ મને થઈ છે એટલે હું ખાતરીપૂર્વક કહું છું કે માત્ર એક મહિનો રોજ એક બાળવાર્તા બાળકને કહો. બાળક ૩૧(એકત્રીસ)માં દિવસે તમારી પાસે વાર્તાની માંગણી કરશે જ. વાર્તાના શબ્દો, વાર્તાના વાક્યો, વાર્તાનો અર્થ કે બોધ, વાર્તામાં આવતાં સુખ-દુઃખ, આનંદ અને શોક – આ બધું બાળક વાર્તામાં સાંભળશે અને ધીમે ધીમે એમને કાને પડતાં આ શબ્દો, એમના મન-હૃદયમાં એક વાર્તાભૂખ પેદા કરશે. અને તમે જો-જો કે પછી તમારું બાળક બિનજરૂરી ટી.વી.જોવાથી, મોબાઈલમાં વિડીયોગેમ રમવાની જિદ્દ કરવાથી અળગું થશે. સાંભળેલી વાર્તાઓ જ બાળકનું હરતુંફરતું ટ્યુશન બની જશે. નિર્ણય કરવાની શક્તિ, પ્રેમભાવના વ્યવહારો, સુખ-દુઃખ વ્યક્ત કરવાની યોગ્ય સમજ બાળક જાતે જ શીખી લેશે. યાદ રાખો કે બાળકો આપણી સંપત્તિ નથી. હા, આપણાં દ્વારા એ માત્ર આ સંસારમાં પ્રવેશ્યા છે પણ બાળક આ સંસારની એક સ્વતંત્ર સુગંધ છે. એની એ સુગંધને અકબંધ રાખવા માટે પણ બાળકોને દરરોજ એક બાળવાર્તા સંભળાવો. ભવિષ્યના જીવનનું અતિ કિંમતી ભાથું બાળકો આ વાર્તાઓ સાંભળીને જ મેળવી લેશે એની ખાતરી રાખજો. બાળકોની સમજ ઉપર અવિશ્વાસ કે અશ્રદ્ધા કરવી આપણને પોસાય તેમ નથી. યાદ રાખજો, બાળકો પરના અવિશ્વાસ કે અશ્રદ્ધા આપણાં સમાજ માટે બહુ જોખમી બાબત છે. મને બાળવાર્તા કહેવાની આ પ્રવૃત્તિમાં ઘણાં વાલીઓ અને શિક્ષકો તરફથી સૂચનો મળે છે કે, : ''આ વાર્તાઓના અંતે બાળકોને તમે વાર્તાનો બોધ કે શીખ તો કહેતા નથી. બાળકોને કોઈ બોધપાઠ મળે તેવી કોઈ વાત તો વાર્તાના અંતે આવતી નથી તો એવી વાર્તાઓ કહેવાનો શું અર્થ !!?'' એ સહુને મારો એક જ સૂરમાં જવાબ હોય છે : 'બાળકોની સમજ ઉપર આપણને આટલી અશ્રદ્ધા કેમ છે? બાળકો આટલું જ સમજે અને બાળકો આટલું તો ન જ સમજી શકે – એવી ધારણાઓ આપણે મોટાઓએ કેમ બાંધી લીધી છે એ જ મને તો નથી સમજાતું. બાળકોને મન અને હૃદય હોય તો, વાર્તાઓમાં આવતી બધી જ ઘટનાઓ ઉપરથી બાળક વારંવારના વાર્તાશ્રવણથી, વારંવારના એવા અનુભવોથી સમજી જ શકતું હોય છે કે જીવનમાં 'આ કરાય' અને 'આ ના કરાય'. વાર્તામાં આવતું લૂચ્ચું શિયાળ પોતાની લૂચ્ચાઈને કારણે જીવનમાં કેવું ભૂખ્યું-તરસ્યું હેરાન થાય છે એ નિર્ણય કરવાની તાકાત બાળક પાસે છે જ. વાર્તાને અંતે ચોખવટ કરવાની સહેજ પણ જરૂર નથી કે, 'જુઓ જુઓ બાળકો,લૂચ્ચાઈ કરવાથી શિયાળની જેમ જિંદગીમાં હેરાન થાવું પડે છે.' વધારાના બોધ આપીને આપણાં સ્વાર્થી બોધ બાળક ઉપર ન જ થોપવા જોઈએ એમ હું સ્પષ્ટપણે માનું છું. સારું-નરસું એટલે શું ? ઉપયોગી અને બિનઉપયોગી એટલે શું ? સુખ અને દુઃખ એટલે શું ? – આ બધું બાળકોને વાર્તા સાંભળીને જાતે જ શીખવા દો. દેશ અને દુનિયાની ઘણી બધી-ખૂબ બધી બાળવાર્તાઓ દરરોજ સંભળાવવાથી બાળકને એક વરદાન મળશે અને એ વરદાન છે : અભય રહેવાનું વરદાન. જીવનની ગમે તેવી સ્થિતિમાં ઘટનાઓનો સામનો કેમ કરવો એ બાળક બાળપણમાં જ વાર્તાઓ દ્વારા સાંભળી ચૂક્યું છે. એના જીવનમાં પછી જ્યારે એવી પરિસ્થિતિ આવી ચડશે ત્યારે એ જાતે જ 'પોત્તાનો તંદૂરસ્ત રસ્તો' શોધી કાઢશે એની ખાતરી રાખજો.
Published books : 63
Designation : Dr.

Share :